
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહેસાણા દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન અંતર્ગત નાનીકડી સ્થિત શ્રી ડી.જે. પટેલ કન્યા વિદ્યાલય ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ PCPNDT (પ્રિ-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ) અધિનિયમ અંગે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ સ્ત્રી જન્મદર સુધારણા માટે સમાજમાં સકારાત્મક અભિગમ કેળવવાનો હતો.
સેમિનારમાં ઉપસ્થિતોને PCPNDT કાયદાની જોગવાઈઓ, ગર્ભમાં જાતિ નિર્ધારણ પર પ્રતિબંધ અને પુત્રીના જન્મ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવાની જરૂરિયાત અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દીકરીઓને શિક્ષણ, સમાન તક અને સુરક્ષા આપીને સમાજના સર્વાંગી વિકાસમાં તેમની ભૂમિકા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આશા બહેનો, મહિલા આરોગ્ય કર્મચારીઓ (FHW), સરપંચશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના પ્રતિનિધિઓ, કોર્પોરેટરો તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોએ સમાજમાં દીકરીઓ પ્રત્યે સમાનતા અને સન્માનનો ભાવ વધારવા તેમજ 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનને સફળ બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આવા જાગૃતિ કાર્યક્રમો મારફતે સ્ત્રી જન્મદર સુધારણા, કન્યા શિક્ષણ અને મહિલા સશક્તિકરણ અંગે સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR