
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મહેસાણા જિલ્લા પોલીસ સતત મેદાનમાં રહી રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. વરસાદી પરિસ્થિતિમાં પોલીસ દ્વારા રસ્તાઓ પર ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવા, પાણીના ઝડપી નિકાલમાં સહયોગ આપવા તેમજ પાણીમાં ફસાયેલા વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. આવી સ્થિતિમાં પોલીસની ટીમોએ સ્થાનિક વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ અને અન્ય વિભાગો સાથે સંકલન કરીને અવરોધો દૂર કર્યા હતા, જેથી વાહનવ્યવહાર ફરીથી સામાન્ય બની શકે.
પાણીમાં ફસાયેલા વાહનચાલકોને પણ પોલીસ દ્વારા મદદ કરવામાં આવી હતી અને જોખમી વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. ભારે વરસાદ છતાં પોલીસ કર્મચારીઓ સતત મેદાનમાં રહી નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે ફરજ બજાવી રહ્યા છે.
મહેસાણા જિલ્લા પોલીસે નાગરિકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તેમજ કોઈપણ ઇમરજન્સી સર્જાય તો તાત્કાલિક પોલીસ અથવા જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતત સતર્ક રહી જનસેવામાં કાર્યરત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR