
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહેસાણા દ્વારા વિજાપુર નગરપાલિકા હોલ ખાતે PCPNDT (પ્રિ-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ) એક્ટ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ ગર્ભમાં જાતિ નિર્ધારણ પર પ્રતિબંધ અંગે જાગૃતિ લાવવાનો, સ્ત્રી જન્મદર સુધારણા માટે સમાજમાં સકારાત્મક અભિગમ વિકસાવવાનો તેમજ બાળ અધિકારો અંગે માહિતી આપવાનો હતો.
સેમિનારમાં ઓછો સ્ત્રી જન્મદર ધરાવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)ના પ્રતિનિધિઓ, આશા બહેનો અને આરોગ્ય કર્મચારીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન PCPNDT એક્ટની જોગવાઈઓ, તેના અમલીકરણનું મહત્વ અને સમાજમાં દીકરીના જન્મ પ્રત્યે સકારાત્મક વિચારસરણી કેળવવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત બાળકોના બંધારણીય અધિકારો, તેમના મૂળભૂત અધિકારો અને બાળ સુરક્ષા સંબંધિત વિવિધ કાયદાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બાળકોને સુરક્ષિત અને સન્માનપૂર્ણ વાતાવરણ મળે તેમજ તેમના અધિકારોનું રક્ષણ થાય તે માટે દરેક નાગરિક અને સંસ્થાની જવાબદારી અંગે ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આયોજકોએ જણાવ્યું હતું કે આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા સમાજમાં કન્યા ભ્રૂણહત્યા અટકાવવા, સ્ત્રી જન્મદરમાં સુધારો લાવવા અને બાળ અધિકારો પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR