મહેસાણા મહાનગરપાલિકા એલર્ટ મોડ પર, શોભાસણમાં 20 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : રાજ્યભરમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે મહેસાણા મહાનગરપાલિકા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અને શહેરમાં સર્જાયેલી વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર શાલિની દુહાન, ડેપ્યુટી કમિશનર
મહેસાણા મહાનગરપાલિકા એલર્ટ મોડ પર, શોભાસણમાં 20 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા


મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : રાજ્યભરમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે મહેસાણા મહાનગરપાલિકા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અને શહેરમાં સર્જાયેલી વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર શાલિની દુહાન, ડેપ્યુટી કમિશનર અને અધિકારીઓની ટીમે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને પાણી ભરાવાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

અધિકારીઓએ સ્થળ પર જઈ વરસાદી પાણીના નિકાલ અને રાહત કામગીરીની પણ માહિતી મેળવી હતી. ભારે વરસાદને પગલે શોભાસણ ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે અંદાજે 20 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. સ્થળાંતર કરાયેલા લોકો માટે ભોજન સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

મહાનગરપાલિકાના વહીવટી તેમજ ટેકનિકલ વિભાગની ટીમો શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરી રહી છે. પાણી ભરાવાની ફરિયાદોનો ત્વરિત નિકાલ થાય અને જરૂરિયાત મુજબ રાહત કામગીરી હાથ ધરી શકાય તે માટે તમામ કર્મચારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

મહાનગરપાલિકા તંત્રે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી છે. આગામી દિવસોમાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શહેરમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande