
નવસારી, 24 જુલાઈ (હિ.સ.) : નવસારી જિલ્લામાં તથા ઉપરવાસમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લા પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલે નવસારી મહાનગરપાલિકા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી.
પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલે મહાનગરપાલિકાના વોર્ડ નં. 2ના તાસ્કદ નગર, રાયચંદ રોડ, ફોક્સ ચાલ, શેઠજી વકીલ ચાલ અને બંદર રોડ, વોર્ડ નં. 3ના શાંતાદેવી વિસ્તાર, આવાસ, રિંગ રોડ, ઠક્કર બાપા વાસ અને મિથિલા નગરી તેમજ વોર્ડ નં. 4ના કાશીવાડી, દાંડીવાડ માતા ફળિયા, નવીન નગર, રંગૂન નગર, રિંગ રોડ, કરિશ્મા ગાર્ડન, ફતેહ પાર્ક, કમેલા રોડ અને યશફીન વિસ્તારની મુલાકાત લઈ વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સ્થળ મુલાકાત દરમિયાન પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલે નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌરાંગ વાસાણી તથા અન્ય સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી વરસાદી પાણીના નિકાલ, અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ અને રાહત કામગીરી અંગે સ્થળ પર જ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
મુલાકાત દરમિયાન જિલ્લા પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલે સ્થળાંતર કરાયેલા નાગરિકો માટે કરવામાં આવેલી ભોજન અને અન્ય આવશ્યક સુવિધાઓની વ્યવસ્થાની પણ મુલાકાત લીધી હતી તેમણે રાહત કામગીરીની સમિક્ષા કરી હતી. આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે