પ્રાદેશિક કમિશનર સુનિલે મહુવા નગરપાલિકાના ચોમાસાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી
ભાવનગર, 24 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ચોમાસાના વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા પ્રાદેશિક કમિશનર સુનિલે મહુવા નગરપાલિકા વિસ્તારની સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જઈ વરસાદી પાણ
પ્રાદેશિક ચીફ ઓફિસરે મુલાકાત લીધી


ભાવનગર, 24 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ચોમાસાના વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા પ્રાદેશિક કમિશનર સુનિલે મહુવા નગરપાલિકા વિસ્તારની સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જઈ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ ચોમાસાની સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.

પ્રાદેશિક કમિશનરે શહેરમાં ચાલી રહેલા માર્ગ વિકાસના કામો, સ્વચ્છતા અભિયાન તેમજ ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાતના દિવસે મહુવા વિસ્તારમાં અંદાજે 30 મી.મી. વરસાદ નોંધાયો હતો. જોકે હાલની સ્થિતિ સામાન્ય હોવાથી કોઈપણ પ્રકારની સ્થળાંતર અથવા બચાવ કામગીરી કરવાની જરૂરિયાત ઊભી થઈ નથી.

તેમણે ચોમાસાની ઋતુમાં જંતુજન્ય અને પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે નિયમિત દવાઓનો છંટકાવ, ફોગિંગ અને અસરકારક સ્વચ્છતા કામગીરી હાથ ધરવા પર ભાર મૂક્યો હતો. મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાને જન આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જરૂરી તમામ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત સંબંધિત અધિકારીઓને વરસાદી પાણીનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવા, સમયસર કચરો ઉપાડવાની વ્યવસ્થા જાળવવા, શહેરમાં સતત સ્વચ્છતા જાળવવા તેમજ નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સતત મોનીટરિંગ રાખી તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. સાથે જ ચોમાસા દરમિયાન નગરપાલિકાનો કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.

આ સ્થળ મુલાકાત દરમિયાન મહુવા નગરપાલિકાના પદાધિકારીઓ, ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande