


પાટણ, 24 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુરમાં માનવસેવામાં અવિરત કાર્યરત સદાબહાર ગ્રુપનું વોર્ડ નંબર-5ના મહિલા મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. બુધવારે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા મંડળની બહેનોએ ગ્રુપના સભ્યોને શાલ ઓઢાડી તેમની નિઃસ્વાર્થ સેવાકીય કામગીરીને બિરદાવી હતી.
સદાબહાર ગ્રુપ છેલ્લા ત્રણ મહિનાથી જરૂરિયાતમંદો માટે નિઃશુલ્ક ભોજન સેવા ચલાવી રહ્યું છે. આ સેવા હેઠળ અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોને ભોજન પ્રસાદનો લાભ મળ્યો છે. દૈનિક ખીચડી-કઢી, ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીઓ તેમજ દાનવીરોના સહયોગથી સમયાંતરે મીઠાઈ પણ પીરસવામાં આવે છે.
ભોજન સેવા ઉપરાંત ગ્રુપ ઉનાળામાં પાણીની પરબ, સિદ્ધપુર રથયાત્રા, મહાશિવરાત્રી સહિત વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રસંગોએ સેવા કેમ્પનું આયોજન કરે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા મંડળની બહેનો, વડીલો અને ગ્રામજનોએ ગ્રુપની સેવાભાવી કામગીરીની પ્રશંસા કરી અને સમાજ માટે તેને પ્રેરણારૂપ ગણાવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ