
બોટાદ,24 જુલાઈ (હિ.સ.)અમદાવાદના નિકોલ ખાતે યોજાયેલી જુનિયર હેન્ડબોલ સ્ટેટ ભાઈઓ ચેમ્પિયનશિપમાં શ્રી આદર્શ માધ્યમિક વિદ્યાલય (DLSS) બોટાદના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિ સાથે શાળાએ માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર બોટાદ જિલ્લાનું અને જિલ્લા રમત વિકાસ પ્રશિક્ષણ કેન્દ્રનું પણ ગૌરવ વધાર્યું છે.
રાજ્યભરની ટીમો વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં DLSS બોટાદના ખેલાડીઓએ શરૂઆતથી જ આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન કર્યું હતું. લીગ તબક્કામાં સતત સારું પ્રદર્શન કરીને ટીમે સેમિફાઇનલ સુધીનો સફર સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. અંતે કાંસ્ય પદક જીતતા ખેલાડીઓની મહેનત અને ટીમવર્કને યોગ્ય પરિણામ મળ્યું.
આ સફળતા પાછળ જિલ્લા હેન્ડબોલ કોચ કૌશિક પટેલ તથા હેન્ડબોલ ટ્રેનર નકુમ પાયલનું માર્ગદર્શન અને સતત તાલીમ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. બંને કોચના પ્રયાસોથી ખેલાડીઓમાં રમત પ્રત્યેનો આત્મવિશ્વાસ અને કૌશલ્ય વધુ મજબૂત બન્યું છે.
આ સિદ્ધિ બદલ શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ બોટાદના આચાર્ય સંજયભાઈ ધાધલે તમામ ખેલાડીઓ, કોચ અને સમગ્ર DLSS ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. શાળાના તમામ શિક્ષકગણ અને સ્ટાફે પણ ખેલાડીઓની સફળતાને વધાવી લઈને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
બ્રોન્ઝ મેડલની આ ઉપલબ્ધિ બોટાદ જિલ્લાના રમતગમત ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ બની છે. ખેલાડીઓએ પોતાની પ્રતિભા, મહેનત અને શિસ્તના બળ પર રાજ્યસ્તરે આગવી ઓળખ ઉભી કરી છે. શાળા પરિવારને વિશ્વાસ છે કે આગામી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં પણ આ ખેલાડીઓ વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને બોટાદ જિલ્લાનું નામ વધુ રોશન કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA