


પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુર ખાતે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા રૂ. 18.78 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અર્બન હાટનું ખાતમુહૂર્ત રાજ્યના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું. પ્રસંગે અર્બન હાટની શિલાતકતીનું અનાવરણ તેમજ હસ્તકલા કારીગરોને આર્ટિઝન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.
મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે અર્બન હાટ સ્થાનિક હસ્તકલા અને ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપતું આધુનિક માર્કેટિંગ હબ બનશે. અહીં પાકા માર્ગો, પાર્કિંગ, ડોર્મિટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેના કારણે કારીગરોને સીધું બજાર મળશે અને તેમની આવકમાં વધારો થશે.
પૂર્વ કેબિનેટ મંત્રી તથા સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે અર્બન હાટ ઉત્તર ગુજરાતના કારીગરો માટે આશીર્વાદરૂપ બનશે. સરકારની વિવિધ યોજનાઓથી સ્વરોજગારને પ્રોત્સાહન મળી રહ્યું છે અને આ પ્રોજેક્ટથી સ્થાનિક હસ્તકલાને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે.
કાર્યક્રમમાં સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, એ.પી.એમ.સી.ના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, જિલ્લા ઉદ્યોગ અધિકારી એચ. એન. મેવાડા, અધિકારીઓ, કારીગરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ