
જામનગર, 24 જુલાઈ (હિ.સ.) : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગરના પ્રેરણાથી તથા એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારી કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે તા. 23 જુલાઈ, 2026ના રોજ જામનગર જિલ્લાની શાળાઓના શિક્ષકો માટે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અંતર્ગત ઓનલાઈન શિક્ષક તાલીમ કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં જિલ્લાના આશરે 75 શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તાલીમ મેળવી હતી.
શાળાના બાળ વૈજ્ઞાનિકો રાષ્ટ્રીય કક્ષાના મંચ પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે અને તેમના પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય સ્તર સુધી પસંદગી પામે તે હેતુથી શિક્ષકોને વૈજ્ઞાનિક અભિગમ સાથે માર્ગદર્શન આપવા આ વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યશાળામાં જામનગર જિલ્લાના રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદના જિલ્લા સંયોજક ડૉ. સંજય પંડ્યાએ આ વર્ષની મુખ્ય થીમ સુસ્થાયીતા માટે વિજ્ઞાન અને નવીનતા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પાંચ પેટા વિષયો અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
પેટા વિષયોમાં કચરાના વ્યવસ્થાપન માટે આર-૫ (રિડ્યૂસ, રિયુઝ, રિસાયકલ, રિકવર અને રિફ્યૂઝ), ઊર્જા માટે ઈ-૪ (અન્વેષણ, પ્રયોગ, વૃદ્ધિ અને વિકાસ), પાણીનું સંગ્રહ, ઉપયોગ, પુનઃચક્રિયકરણ અને સંરક્ષણ, ખોરાક-કૃષિ અને સ્વાસ્થ્ય તેમજ સુસ્થાયીતા માટે ભારતીય જ્ઞાન પ્રણાલીઓના ઉપયોગ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત શિક્ષકોને પ્રોજેક્ટની ગુણવત્તા સુધારવા માટે સ્થાનિક સમસ્યાઓના આધારે યોગ્ય પ્રોજેક્ટની પસંદગી, વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વેક્ષણ, પ્રયોગો અને માહિતી એકત્રીકરણ, દૈનિક નોંધપોથી (લોગબુક) જાળવવાની પદ્ધતિ, અહેવાલ લેખનના નિયમો તેમજ ચાર્ટ અને સ્લાઇડ્સના માધ્યમથી અસરકારક પ્રોજેક્ટ રજૂઆત કેવી રીતે કરવી તે અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt