
જામનગર, 24 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં કોળી સમાજની વાડી નજીક જાહેરમાં સિક્કા ઉછાળીને હારજીતનો જુગાર રમતા બે શખ્સોને સર્વેલન્સ સ્ક્વોડ સિટી-બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ રૂ. 10,430ની રોકડ રકમ તથા જુગારમાં ઉપયોગમાં લેવાયેલ એક રૂપિયાનો સિક્કો કબજે કરી જુગારધારાની કલમ-1 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ અમરસિંહ જાડેજા અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમી મળી હતી કે નવાગામ ઘેડ ખાતે કોળી સમાજની વાડીના શૌચાલય પાસે કેટલાક લોકો સિક્કા ઉછાળીને પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે બે પંચોને સાથે રાખી દરોડો પાડતાં બે શખ્સો સિક્કા ઉછાળી કાટ-છાપ બોલીને જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.
પકડાયેલા આરોપીઓમાં કમલેશ કાનજીભાઈ મકવાણા (રહે. નવાગામ ઘેડ) અને અનિરૂદ્ધસિંહ પરબતસિંહ રાઠોડ (રહે. નવાગામ ઘેડ)નો સમાવેશ થાય છે. કમલેશભાઈ પાસેથી જુગારમાં વપરાયેલ એક રૂપિયાનો સિક્કો અને રૂ. 7,430 રોકડા તેમજ અનિરૂદ્ધસિંહ પાસેથી રૂ. 3,000 રોકડા મળી કુલ રૂ. 10,430નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓ સામે જુગારધારાની કલમ-1 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt