વડોદરા પોલીસની મોટી કાર્યવાહી: પાસા હેઠળ 4 કુખ્યાત ગુનેગારોની અટકાયત, અલગ-અલગ મધ્યસ્થ જેલમાં મોકલાયા
વડોદરા , 25 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા વધુ એક કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઘરફોડ ચોરી, આર્મ્સ એક્ટ અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ચાર કુખ્યાત ગુનેગારોને પાસા (PASA) હેઠળ અટકાયત કરી અલગ-અલગ મધ્
વડોદરા પોલીસની મોટી કાર્યવાહી: પાસા હેઠળ 4 કુખ્યાત ગુનેગારોની અટકાયત, અલગ-અલગ મધ્યસ્થ જેલમાં મોકલાયા


વડોદરા , 25 જુલાઈ (હિ.સ.)

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા વધુ એક કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઘરફોડ ચોરી, આર્મ્સ એક્ટ અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ચાર કુખ્યાત ગુનેગારોને પાસા (PASA) હેઠળ અટકાયત કરી અલગ-અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરા શહેરમાં જાહેર વ્યવસ્થા જાળવવા અને અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવતા શહેર પોલીસે ચાર કુખ્યાત ગુનેગારો સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના અનુસાર શરીર સંબંધિત, મિલકત સંબંધિત, આર્મ્સ એક્ટ, મારામારી અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિઓનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું.

કુંભારવાડા પોલીસ સ્ટેશનના ગુનાઓમાં સંડોવાયેલા વહાબુદ્દીન ઉર્ફે ખાટકી શાહબુદ્દીન શેખ સામે ગોળીબાર, જીવલેણ હુમલો અને જાહેરમાં હથિયારો સાથે આતંક ફેલાવવાના ગુનાઓ નોંધાયેલા હતા. જામીન પર છૂટ્યા બાદ પણ તેની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રહેતાં તેને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

તે જ રીતે ગોરવા અને ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા રામકુમાર રાજુભાઈ ચૌહાણ અને વિશાલભાઈ વિજયભાઈ દંતાણી સામે પણ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. બંને આરોપીઓ રહેણાંક વિસ્તારોમાં બંધ મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. બંનેને અનુક્રમે ભાવનગર અને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે.

આ ઉપરાંત છાણી અને ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં જીવલેણ હુમલા અને મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા કરણબીરસિંહ સુખબીરસિંહ સંધુ સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ આરોપીઓની સતત ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે શહેરમાં ભયનો માહોલ સર્જાતો હતો અને જાહેર વ્યવસ્થા ખોરવાઈ રહી હતી. તેથી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. શહેર પોલીસનું કહેવું છે કે ભવિષ્યમાં પણ આવા અસામાજિક તત્વો સામે પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande