
પાટણ, 25 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 28 વર્ષીય યુવાન પ્રવીણજી કેશાજી મણાજી ઠાકોરે ગામના તળાવની પાળ પાસે આવેલા વરખડીના ઝાડ સાથે દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ કરુણ બનાવમાં પ્રવીણજીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના કારણે તેના પરિવારજનો અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ ઘટનાની જાણ થતાં જ મૃતક પ્રવીણજીના મોટા ભાઈ ભરતજી કેશાજી મણાજી ઠાકોર દ્વારા તાત્કાલિક ધોરણે હારીજ પોલીસ મથકે તેની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ હારીજ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બી.એન.એસ.એસ.ની કલમ 194 મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા પ્રવીણજી ઠાકોરે આટલું આત્યંતિક પગલું ભરવા અને આપઘાત કરવા પાછળના ચોક્કસ કારણો શું હતા, તે દિશામાં ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ