
- એરપોર્ટ સહિતના રૂટ પર મુસાફરોને મળી રહી છે સરળ અને વિશ્વસનીય પરિવહન સુવિધા.
અમદાવાદ, 25 જુલાઈ (હિ.સ.) : અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી પરિસ્થિતિ વચ્ચે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા BRTS બસ સેવાને અવિરત અને નિયમિત રાખવા માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે. મેયર હિતેશ બારોટના નેતૃત્વમાં અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ શહેરના જાહેર પરિવહનને સતત કાર્યરત રાખવામાં આવી રહ્યો છે, જેથી વરસાદી પરિસ્થિતિમાં પણ નાગરિકો અને શહેરમાં આવતા મુસાફરોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવેલા એક મુસાફર જયદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો હોવા છતાં BRTSની સેવાઓ બંધ થઈ નથી. આવા સમયે પણ બસો નિયમિત રીતે દોડી રહી હોવાથી એરપોર્ટથી શહેરના વિવિધ વિસ્તારો સુધી પહોંચવું સરળ બન્યું છે. તેમણે જણાવ્યું કે મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે BRTS દ્વારા આપવામાં આવતી આ સેવા પ્રશંસનીય છે અને તે માટે તેમણે BRTS તથા AMCનો આભાર વ્યક્ત કર્યો હતો.
અન્ય એક મુસાફરે પણ જણાવ્યું હતું કે હું રાણીપથી GIDC સુધી BRTSની મુસાફરીનો અનુભવ સારો રહ્યો છે. ચોમાસું હોય, ઉનાળો હોય કે અન્ય કોઈપણ ઋતુ હોય, BRTS દ્વારા મુસાફરોને નિયમિત અને સુવિધાસભર જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વરસાદી પરિસ્થિતિમાં પણ બસ સેવા ચાલુ રહેતાં રોજિંદા અવરજવરમાં સરળતા રહે છે.
એરપોર્ટ ખાતે અન્ય એક મુસાફરે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ભારે વરસાદ હોવા છતાં BRTSની સેવા ચાલુ છે અને એરપોર્ટથી શહેરમાં જવા માટે આ ખૂબ જ સારી અને વિશ્વસનીય જાહેર પરિવહન સેવા છે. તેમણે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી આ સુવિધાને વખાણી AMC તથા BRTS તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદના મેયર હિતેશ બારોટના નેતૃત્વમાં અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ AMC દ્વારા વરસાદી પરિસ્થિતિ દરમિયાન પણ જાહેર પરિવહન સેવા ખોરવાય નહીં તે માટે સતત મોનિટરિંગ અને સંકલન કરવામાં આવી રહ્યું છે. તેના પરિણામે એરપોર્ટ સહિતના મહત્વના રૂટ પર BRTS બસ સેવા નિયમિત રીતે ચાલુ રહી છે, જેનાથી મુસાફરોમાં વિશ્વાસ વધ્યો છે અને તેમને વરસાદી પરિસ્થિતિમાં પણ સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય પરિવહનની સુવિધા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ