
સુરત, 25 જુલાઈ (હિ.સ.) : સુરતના અમરોલી-છાપરા ભાઠા વિસ્તારમાં તાપી નદી કિનારે માછીમારી દરમિયાન એક અનોખી ઘટના સામે આવી હતી. માછીમારો દ્વારા નદીમાં નાખવામાં આવેલી જાળ ખેંચતા તેમાં અંદાજે ત્રણ ફૂટ લાંબું મગરનું બચ્ચું ફસાયેલું જોવા મળ્યું. આ દૃશ્ય જોઈ સ્થાનિકોમાં થોડા સમય માટે ગભરાટ અને ઉત્સુકતા ફેલાઈ ગઈ, ત્યારબાદ લોકોએ તરત જ વન્યજીવ બચાવ માટે કાર્યરત સંસ્થાને જાણ કરી.
માહિતી મળતાં જ 'ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ'ના સ્વયંસેવકો જરૂરી રેસ્ક્યુ સાધનો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી મગરના બચ્ચાને કોઈ ઈજા પહોંચાડ્યા વગર જાળમાંથી બહાર કાઢ્યું. પ્રાથમિક તપાસ બાદ રેસ્ક્યુ કરાયેલા મગરને સુરક્ષિત રીતે વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ ટીમની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી.
તાજેતરના સમયમાં અમરોલી અને આસપાસના તાપી કિનારે મગરો દેખાવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પાણીના સ્તરમાં ફેરફાર થતાં મગરો કિનારા તરફ આવતાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ વન વિભાગને વિસ્તારમાં સર્વે કરી જરૂરી પગલાં લેવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે