
ભાવનગર, 25 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામના ખેડૂત કાળુભાઈ આનંદભાઈ સોલંકી પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. વર્ષ 2016થી તેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ વધતા ખર્ચ અને ઓછા વળતરને કારણે તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી હતી.
હાલમાં કાળુભાઈએ અઢી વીઘા જમીનમાં વિવિધ શાકભાજીના પ્લોટ તૈયાર કર્યા છે. તેઓ ચોળી, રતાળુ, ભીંડો, પ્રાકૃતિક હળદર, પપૈયા, ટામેટાં, રીંગણાં, પતરવેલ સહિત અનેક પાકોનું મિશ્ર વાવેતર કરે છે. પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થતા પાકોની ગુણવત્તા ઉત્તમ હોવાથી ગ્રાહકોમાં તેની સારી માંગ રહે છે.
કાળુભાઈનું માનવું છે કે ખેડૂતો માત્ર ઉત્પાદન સુધી સીમિત ન રહે, પરંતુ પોતાના પાકનું સીધું વેચાણ પણ કરે. તેથી તેઓ પોતાના ખેતરમાં તૈયાર થતા તમામ શાકભાજીનું વેચાણ સીધું ગ્રાહકોને કરે છે. અમદાવાદમાં યોજાતા પ્રાકૃતિક બજાર તેમજ ભાવનગર શહેરમાં પોતાના નિયમિત ગ્રાહકો સુધી તાજું શાકભાજી પહોંચાડે છે. જેના કારણે વચ્ચેના વેપારીઓનો ખર્ચ બચી જાય છે અને ખેડૂતોને વધુ નફો મળે છે.
કાળુભાઈના જણાવ્યા મુજબ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થાય છે અને 40થી 80 દિવસના પાકચક્રમાં એક વીઘા દીઠ અંદાજે 60 હજારથી 80 હજાર રૂપિયા સુધીની આવક મેળવી શકાય છે. તેમની સફળતા દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતી સાથે સીધું માર્કેટિંગ અપનાવવાથી ખેડૂતો ઓછી મૂડીમાં પણ સારી અને ટકાઉ આવક મેળવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA