
- વેરાવળ અને સૂત્રાપાડા ખાતે ધ્વજવંદન સાથે શ્રમિક એકતા અને રાષ્ટ્રહિતનો સંદેશ
ગીર સોમનાથ, 25 જુલાઈ (હિ.સ.) : ભારતના સૌથી મોટા અને અગ્રણી શ્રમિક સંગઠન તરીકે ઓળખાતા ભારતીય મજદૂર સંઘ (BMS)ના ૭૨મા સ્થાપના દિવસની ગિર સોમનાથ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વેરાવળ ખાતે આવેલી ઇન્ડિયન રેયોન કંપની તથા સૂત્રાપાડા મુકામે આવેલી જી.એસ.સી.એલ. કંપની ખાતે ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારો, કાર્યકરો અને શ્રમિકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ સંગઠનના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે ભારતીય મજદૂર સંઘની સ્થાપના પરમ પૂજ્ય શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજી દ્વારા તા. ૨૩ જુલાઈ, ૧૯૫૫ના રોજ લોકમાન્ય બાલ ગંગાધર તિલકની જન્મજયંતિના પાવન અવસરે ભોપાલ ખાતે કરવામાં આવી હતી. શ્રમિકોનું, શ્રમિકો માટે અને શ્રમિકો દ્વારા સંચાલિત એવું સંપૂર્ણ સ્વતંત્ર અને બિનરાજકીય શ્રમિક સંગઠન તરીકે ભારતીય મજદૂર સંઘની શરૂઆત થઈ હતી.
પ્રારંભિક સમયમાં સંગઠન પાસે ન કાર્યાલય હતું, ન કોઈ આર્થિક ભંડોળ અને સ્થાપક દત્તોપંત ઠેંગડીજી પોતે જ સંગઠનના એકમાત્ર સભ્ય હતા. પરંતુ તેમના દૃઢ સંકલ્પ, શ્રમિક હિત પ્રત્યેની નિષ્ઠા અને રાષ્ટ્રહિતની ભાવનાના કારણે આજે ભારતીય મજદૂર સંઘ દેશનું સૌથી મોટું શ્રમિક સંગઠન બની ગયું છે.
હાલમાં ભારતીય મજદૂર સંઘ સાથે દેશભરમાં અંદાજે ૭,૦૦૦થી વધુ નોંધાયેલ ટ્રેડ યુનિયનો, ૪૦થી વધુ અખિલ ભારતીય ઔદ્યોગિક મહાસંઘો, ૧૭૦થી વધુ પૂર્ણકાલીન કાર્યકરો તેમજ વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં કાર્યરત સંગઠનાત્મક માળખું કાર્યરત છે. સભ્ય સંખ્યાની દૃષ્ટિએ ભારતીય મજદૂર સંઘ દેશનું સૌથી મોટું શ્રમિક સંગઠન હોવાનું ગૌરવ ધરાવે છે.
વક્તાઓએ વધુમાં જણાવ્યું કે ભારતીય મજદૂર સંઘ માત્ર દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યું છે. તાજેતરમાં વૈશ્વિક સ્તરે યોજાયેલા એલ-૨૦ (Labour-20) મંચનું અધ્યક્ષપદ ભારતીય મજદૂર સંઘને મળ્યું હતું, જેમાં વિશ્વના ૨૯થી વધુ દેશોના પ્રતિનિધિઓએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી. શ્રમિક હિત, ઉદ્યોગ હિત અને રાષ્ટ્રહિતના મુદ્દાઓને વૈશ્વિક મંચ પર અસરકારક રીતે રજૂ કરવા બદલ સંગઠનની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા થઈ હતી.
કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રહિત – ઉદ્યોગહિત – શ્રમિકહિતના સૂત્રને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને શ્રમિકોના અધિકારોની સાથે તેમની ફરજો પ્રત્યે પણ જાગૃતિ લાવવા સંગઠન સતત કાર્યરત રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ ઉજવણી કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘના પ્રદેશના હોદ્દેદાર નાના ગિરધર પાટીલ, વિભાગ મંત્રી કરશનભાઈ કટારિયા, જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ કાછેલા, જિલ્લા મંત્રી પ્રતાપભાઈ કટારિયા, જી.એસ.સી.એલ. મજદૂર સંઘના જનરલ સેક્રેટરી જેસીંગભાઈ બારડ સહિત જિલ્લાના ભારતીય મજદૂર સંઘના મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ