
ગીર સોમનાથ, 25 જુલાઈ (હિ.સ.) : સુત્રાપાડા શહેરમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સરકાર દ્વારા આપવામાં આવતા સસ્તા અનાજની કથિત હેરાફેરીનો વધુ એક મામલો સામે આવ્યો છે. મામલતદાર કચેરીના સ્ટાફે બાતમીના આધારે કાર્યવાહી કરીને સસ્તા અનાજથી ભરેલી એક રીક્ષા ઝડપી પાડી હતી.
મળતી માહિતી મુજબ, GJ-03-AX-7624 નંબરની રીક્ષા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને મળતું સરકારી સસ્તા અનાજ ઘરે-ઘરે જઈ ખરીદી રહી હોવાની બાતમી મામલતદાર કચેરીને મળી હતી. બાતમીના આધારે મામલતદાર કચેરીનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને રીક્ષાની તપાસ કરતાં તેમાં સસ્તા અનાજનો જથ્થો મળી આવ્યો હતો.
સ્ટાફે રીક્ષા સહિત અનાજના જથ્થાને જપ્ત કરીને મામલતદાર કચેરી ખાતે લાવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ જપ્ત કરાયેલ અનાજનો જથ્થો ગોરખમઢી નજીક આવેલા સરકારી ગોડાઉનમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે કે ગરીબ પરિવારો માટે સરકાર દ્વારા સબસિડીના દરે આપવામાં આવતું અનાજ કાળાબજારમાં કેવી રીતે પહોંચી રહ્યું છે. જો લાભાર્થીઓ પોતાનું અનાજ વેચી રહ્યા હોય અથવા કોઈ તત્વો તેનું ગેરકાયદે ખરીદ-વેચાણ કરતા હોય તો તે જાહેર વિતરણ પ્રણાલી માટે ગંભીર ચિંતાનો વિષય છે.
સ્થાનિક લોકોમાં પણ ચર્ચા છે કે આવી પ્રવૃત્તિઓ લાંબા સમયથી ચાલી રહી હોવાની શક્યતા છે. લોકો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને આવા ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા તમામ તત્વો સુધી તપાસનો વ્યાપ વધારવાની માંગ ઉઠી રહી છે.
મામલતદાર કચેરી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ સંબંધિત વ્યક્તિઓ સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ