


પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : બાળકોમાં વ્યક્તિગત સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી JCI પોરબંદર પ્લસ લેડી વિંગ દ્વારા શહેરની વિવિધ પ્રી-સ્કૂલો અને આંગળવાડીની મુલાકાત લઈ “ગુડ ટચ – બેડ ટચ” જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
કાર્યક્રમ દરમિયાન નાના બાળકોને તેમની ઉંમરને અનુરૂપ સરળ અને રસપ્રદ ભાષામાં સુરક્ષિત સ્પર્શ (Good Touch) અને અસુરક્ષિત સ્પર્શ (Bad Touch) વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો. બાળકોને પોતાના શરીર પ્રત્યે જાગૃત રહેવા, કોઈપણ અણગમતી પરિસ્થિતિમાં નિડરતાથી “ના” કહેવા, તેમજ માતા-પિતા, શિક્ષક અથવા વિશ્વાસુ વડીલોને તરત જ જાણ કરવાની સમજ આપવામાં આવી.આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ, સ્વ-સુરક્ષા અને જાગૃતિનો સંદેશ પહોંચાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો.
આ સમગ્ર અભિયાનમાં JCI પોરબંદર પ્લસ લેડી વિંગના ચેરપર્સન ડૉ. દિશા વિઠલાણી લાખાણી તથા અન્ય સભ્યોમાં ભક્તિ મોનાણી, મિતલ લાખાણી, યુતિ કોટેચા, હિરલ રાયચુરા, નીતા રામાણી, જિગ્ના તન્નાએ સક્રિય ભાગ લીધો હતો.
JCI પોરબંદર પ્લસ લેડી વિંગ ના ચેરપર્સન ડૉ. દિશા વિઠલાણી લાખાણીએ જણાવ્યું હતું કે જેસીઆઈ સમાજમાં બાળકોની સુરક્ષા અને જાગૃતિ માટે સતત આવા જનહિતના કાર્યક્રમો યોજતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ આવા અર્થપૂર્ણ પ્રોજેક્ટ્સ દ્વારા સમાજસેવાનું કાર્ય આગળ વધારશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya