
ભાવનગર, 25 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વિવિધ ગામોમાં કૃષિ વિભાગ દ્વારા મગફળીના પાકમાં રોગ અને જીવાતના અસરકારક નિયંત્રણ માટે ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિસ્તરણ અધિકારી (ખેતી) તથા ગ્રામસેવકોએ ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
ચોમાસાની ઋતુ દરમિયાન સતત વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે મગફળીના પાકમાં વિવિધ પ્રકારના ફૂગજન્ય રોગો તેમજ જીવાતોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તેને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ ખેડૂતોને સમયસર પાકનું નિરીક્ષણ કરવા, રોગના પ્રારંભિક લક્ષણો ઓળખી યોગ્ય નિયંત્રણના પગલાં લેવા તેમજ કૃષિ વિભાગની ભલામણ મુજબ જ દવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી.
ફિલ્ડ મુલાકાત દરમિયાન ખેડૂતોને સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ (IPM) પદ્ધતિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. પાકમાં અનાવશ્યક દવાઓના છંટકાવથી બચવા, ભલામણ કરેલી માત્રામાં જ દવાનો ઉપયોગ કરવા તેમજ પાકની યોગ્ય માવજત રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે સમયસર રોગ અને જીવાતનું નિયંત્રણ કરવામાં આવે તો પાકને મોટા પ્રમાણમાં થતા નુકસાનને અટકાવી શકાય છે અને ઉત્પાદન તેમજ ગુણવત્તામાં વધારો શક્ય બને છે. ખેડૂતોને કોઈપણ સમસ્યા જણાય તો નજીકની ગ્રામ પંચાયત, ગ્રામસેવક અથવા કૃષિ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી યોગ્ય માર્ગદર્શન મેળવવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.
કૃષિ વિભાગ દ્વારા આવી ફિલ્ડ વિઝિટ અને માર્ગદર્શન કાર્યક્રમો દ્વારા ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જેથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA