


પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરની કે.બી. જોશી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે ભીના અને સૂકા કચરાના યોગ્ય નિકાલ વિષયક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ ઘરમાં અને શાળામાં કચરાના યોગ્ય વિભાજનની ટેવ વિકસે તે હતો. સેનિટેશન શાખાની ટીમે વિદ્યાર્થીઓને ભીનો અને સૂકો કચરો અલગ-અલગ એકત્રિત કરવાના મહત્વ અંગે ડસ્ટબિન સાથે પ્રેક્ટીકલ રીતે સરળ ભાષામાં સમજણ આપી હતી. કાર્યક્રમમાં વોર્ડ નં. 12ના કોર્પોરેટર વર્ષાબેન કારાવદરા, રણમલભાઈ ઓડેદરા, જયભાઈ ચૌહાણ તેમજ મધુબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને અલગ-અલગ રંગના ડસ્ટબીનમાં કયા પ્રકારનો કચરો નાખવો તેની વિગતવાર માહિતી આપી હતી. સાથે જ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા માટે હેન્ડવોશથી નિયમિત હાથ ધોવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. મહાનગરપાલિકાની સેનિટેશન શાખાએ જણાવ્યું હતું કે સ્વચ્છ શહેરના નિર્માણમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી મહત્વપૂર્ણ છે. આવી જાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતા અંગેની સારી ટેવો વિકસાવી સ્વચ્છ અને આરોગ્યપ્રદ પોરબંદરના નિર્માણમાં સૌનો સહયોગ પ્રાપ્ત થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya