ભારે વરસાદના માહોલ વચ્ચે અમદાવાદ જિલ્લાના 5 તાલુકાઓમાં માતા-શિશુ સુરક્ષા હેઠળ 10 સફળ બાળપ્રસૂતિ
- અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી અમદાવાદ, 25 જુલાઈ (હિ.સ.) : અમદાવાદ જિલ્લામાં સર્જાયેલી ભારે વરસાદી પરિસ્થિતિ અને વિષમ હવામાન વચ્ચે પણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામીણ તેમજ અંતરિયાળ વિસ્તારો સુધી પ્રસુતા માતાઓ અન
આરોગ્ય વિભાગ


- અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી

અમદાવાદ, 25 જુલાઈ (હિ.સ.) : અમદાવાદ જિલ્લામાં સર્જાયેલી ભારે વરસાદી પરિસ્થિતિ અને વિષમ હવામાન વચ્ચે પણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામીણ તેમજ અંતરિયાળ વિસ્તારો સુધી પ્રસુતા માતાઓ અને નવજાત શિશુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે.

ચોમાસાના કપરા સમયમાં અને વરસાદી કટોકટીના માહોલમાં પણ આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે રહીને છેવાડાના માનવી સુધી આરોગ્ય સુરક્ષા કવચ પહોંચાડી રહી છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માતા અને શિશુ મૃત્યુદર ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે નિરંતર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના આ સતત વિઝન, ચોક્કસ આયોજન અને ક્ષેત્રીય મોનિટરિંગના પરિણામે ગ્રામ્ય સ્તરે સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે પ્રસૂતિ સેવાઓ વધુ સુચારૂ બની છે.

આરોગ્ય વિભાગની આ સઘન કામગીરી અને સંકલિત પ્રયાસોના સુખદ પરિણામ સ્વરૂપે વરસાદી માહોલ વચ્ચે પણ આજરોજ બપોરે 02 વાગ્યા સુધીમાં અમદાવાદ જિલ્લાના વિવિધ 05 તાલુકાઓમાં સફળતાપૂર્વક કુલ 10 બાળપ્રસૂતિ કરાવવામાં આવી છે. વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સક્રિય સંકલનથી હાથ ધરાયેલી આ કામગીરીમાં દસક્રોઈ તાલુકામાં 03, ધોળકા તાલુકામાં 03, સાણંદ તાલુકામાં 02, ધંધૂકા તાલુકામાં 01 અને દેત્રોજ તાલુકામાં 01 સફળ પ્રસૂતિ સંપન્ન થઈ છે. હાલ તમામ માતા અને નવજાત શિશુઓ સંપૂર્ણ સ્વસ્થ અને કુશળ છે તથા તેઓને જરૂરી તમામ તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે.

આ સિવાય સંવેદનશીલ અને જટિલ કેસોમાં પણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સમયસર કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સાણંદ તાલુકાના ચાંચરાવડી વાસણા ગામના પૂર્વ સિઝેરિયન હિસ્ટ્રી ધરાવતા સગર્ભા મહિલાને સિઝેરિયન ડિલિવરીની જરૂરિયાત હોઈ, જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય ટીમ દ્વારા સમયસૂચકતા દાખવી સલામત રીતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો, સ્ટાફ નર્સ અને આશા બહેનો વચ્ચે ચોક્કસ સંકલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે, જેનાથી વરસાદી કટોકટી કે ચોમાસાની વિષમ પરિસ્થિતિમાં પણ સગર્ભા મહિલાઓને સમયસર તબીબી સારવાર મળી રહે. કોઈપણ સંજોગોમાં સરકારી આરોગ્ય કેન્દ્રો પર જ સલામત અને સંસ્થાકીય પ્રસૂતિ થાય તે માટે સમગ્ર અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande