
ભાવનગર, 25 જુલાઈ (હિ.સ.)બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામના વાડી વિસ્તારમાં નોંધાયેલા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. CDHO મેડમ, EMO સાહેબ તેમજ મેડિકલ ઓફિસર (M.O.) સહિતની આરોગ્ય ટીમ ટ્રેક્ટરમાં બેસીને વાડી વિસ્તાર સુધી પહોંચી હતી અને સમગ્ર પરિસ્થિતિની નજીકથી સમીક્ષા કરી હતી.
આરોગ્ય અધિકારીઓએ દર્દીના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. સાથે જ આસપાસના રહેવાસીઓને ચાંદીપુરા વાયરસ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તાવ, ઊલટી, બેભાન જેવી ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.
ટીમ દ્વારા વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, ઘરની આસપાસ ગંદકી ન રહે તે માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા હતા. સેન્ડ ફ્લાય સહિતના જીવાતોના નિયંત્રણ માટે યોગ્ય પગલાં લેવા તેમજ બાળકોને સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણમાં રાખવા અંગે સમજ આપવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓએ ઘર-ઘર જઈ લોકોમાં જાગૃતિ ફેલાવી અને કોઈપણ શંકાસ્પદ લક્ષણ જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવા જણાવ્યું હતું.
જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસ અંગે સતર્કતા રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ સતત વિસ્તાર પર નજર રાખી રહી છે તેમજ લોકોના આરોગ્યની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોને અફવાઓથી દૂર રહી માત્ર આરોગ્ય વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA