હારીજમાં ભારે વરસાદથી જળબંબાકાર: હસ્તિનાપુર સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસતા રહીશો હાલાકીમાં
પાટણ, 25 જુલાઈ (હિ.સ.)હારીજમાં શુક્રવાર સવારના 6 વાગ્યાથી શનિવાર સવારના 6 વાગ્યા સુધીમાં 97 મિમી એટલે કે લગભગ 4 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. આ મૂશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં બેચરાજી બાયપાસ રોડ પર આવેલી હસ્તિન
હારીજમાં ભારે વરસાદથી જળબંબાકાર: હસ્તિનાપુર સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસતા રહીશો હાલાકીમાં


પાટણ, 25 જુલાઈ (હિ.સ.)હારીજમાં શુક્રવાર સવારના 6 વાગ્યાથી શનિવાર સવારના 6 વાગ્યા સુધીમાં 97 મિમી એટલે કે લગભગ 4 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. આ મૂશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં બેચરાજી બાયપાસ રોડ પર આવેલી હસ્તિનાપુર સોસાયટીના 10 જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતાં પરિવારોની હાલત અત્યંત કફોડી બની હતી અને શિવવિલા તથા ચામુંડાનગર જેવી અન્ય સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ મળ્યા છે.

હસ્તિનાપુર સોસાયટી તરફ જતા મુખ્ય રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે રહીશોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સોસાયટીના રહીશ હરિભાઈ રમેશભાઈ ઠક્કરના પરિવારને, જેમાં એક વૃદ્ધા પણ સામેલ છે, ઘરમાં પાણી ભરાવાને કારણે ખાટલા પર બેસીને જ રાત વિતાવવાની ફરજ પડી હતી અને તેમને ઊભા રસોડામાં રસોઈ બનાવીને ખાટલા પર બેસીને જ ભોજન લેવું પડ્યું હતું.

સોસાયટીના રહીશોએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી ચોમાસામાં દર વખતે આવી જ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં સામાન્ય વરસાદમાં પણ પાણીનો નિકાલ થતો નથી, અને માત્ર 4 થી 5 ઇંચ વરસાદમાં જ આવી દુર્દશા સર્જાતી હોય, તો આગામી સમયમાં જો વધુ વરસાદ પડે તો શું થશે તેની ચિંતા તમામ સ્થાનિક પરિવારોને સતાવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande