

પાટણ, 25 જુલાઈ (હિ.સ.) : રાધનપુર-ભાભર હાઈવે પર આવેલા દેવ ગામમાં ભારે વરસાદને કારણે વર્ષો જૂનું વિશાળ તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું. તળાવ છલકાઈ જવાના કારણે ગામના આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે 100થી વધુ ઘરો ગંભીર રીતે પ્રભાવિત થયા છે. ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક પરિવારોની કિંમતી ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેના લીધે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને આખી રાત ઉચાટ તથા ચિંતામાં વિતાવવી પડી હતી.
આ વિકટ પરિસ્થિતિમાં માનવતા દાખવતા સ્થાનિક સરપંચ પતિ ભવાનભાઈ પટેલ અને તેમના સહયોગીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આગળ આવીને અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત, પૂર અને પાણી ભરાવાથી મુશ્કેલીમાં મુકાયેલા આ તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક રાહતરૂપે બિસ્કિટ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેથી તેમને થોડી રાહત મળી શકે.
ગામના 100થી વધુ ઘરોમાં પાણી ભરાઈ જવાથી મોટા પાયે આર્થિક અને માલમિલકતનું નુકસાન થયું છે, જેને લઈને રોષ અને ચિંતા ફેલાઈ છે. સ્થાનિક નાગરિકો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે સત્વરે પાયાકીય સર્વે હાથ ધરીને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવે અને સરકારી નિયમો મુજબ તમામ અસરગ્રસ્તોને વહેલી તકે કેશડોલ્સ ચૂકવવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ