
જામનગર, 25 જુલાઈ (હિ.સ.) :જામનગર જિલ્લાના પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સપડા ગામ નજીક હિટ એન્ડ રનનો બનાવ નોંધાયો છે. આ અંગે અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે બી.એન.એસ. કલમ 281, 125(એ), 125(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 148 અને 134 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, તા. 22 જુલાઈ 2026ના રોજ રાત્રે આશરે 9:00 વાગ્યે સપડા ગામની આગળ જામનગર–કાલાવડ હાઇવે પર ગોલાઈ પાસે નાથીબેન દેવણભાઈ વીંજાણી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન કાલાવડ તરફથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે તેમને ટક્કર મારી હતી.
અકસ્માતમાં નાથીબેનને ડાબા પગમાં ગોઠણની નીચેના ભાગે ફ્રેક્ચર સહિત જમણી બાજુના પડખામાં અને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ મોટરસાયકલ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને ઇજાગ્રસ્તને કોઈ મદદ કર્યા વિના નાસી ગયો હતો.
આ બનાવ અંગે તા.24 જુલાઈના રોજ પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા ગુનો નોંધી પોલીસે તેની શોધખોળ તથા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt