
પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : ઘરઆંગણે તાજા અને રસાયણમુક્ત શાકભાજીનું ઉત્પાદન વધે અને નાગરિકોને પૌષ્ટિક આહાર સરળતાથી મળી રહે તે હેતુથી પોરબંદર નાયબ બાગાયત નિયામકની કચેરીએ કિચન ગાર્ડનિંગને પ્રોત્સાહન આપતી પહેલ શરૂ કરી છે. આ યોજના હેઠળ વિવિધ શાકભાજીના બિયારણના પેકેટ માત્ર રૂ. 5 ના રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ યોજનામાં મરચી, ટામેટી, રીંગણ, તુરીયા, તુવેર, ગલકા, કાંકડી, ચોળી, દુધી, ડુંગળી, ભીંડો અને ગુવાર સહિતના શાકભાજીના ગુણવત્તાયુક્ત બિયારણના પેકેટ માત્ર રૂ. 5 માં આપવામાં આવી રહ્યા છે. આ બિયારણનો ઉપયોગ કરીને નાગરિકો પોતાના ઘરે જ ઓર્ગેનિક શાકભાજીનું ઉત્પાદન કરી શકશે.બિયારણ મેળવવા ઇચ્છુક નાગરિકોએ જિલ્લા સેવા સદન-૨, કોર્ટ સામે, સાંદિપની રોડ સ્થિત નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
વધુ માહિતી માટે કચેરીના ટેલિફોન નંબર 0286-2225656 પર સંપર્ક કરી શકાશે.બાગાયત વિભાગે “ઘરઆંગણે ઉગાડેલા શાકભાજી ખાઓ અને સ્વસ્થ રહો”ના સંદેશ સાથે પોરબંદરના નાગરિકોને કિચન ગાર્ડનિંગ અપનાવી આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya