
કચ્છ, 25 જુલાઈ (હિ.સ.) : કચ્છના અંજાર શહેરમાં જાહેરમાં ચાલતા વરલી-મટકાના જુગાર પર પોલીસે કડક કાર્યવાહી કરતાં જુગારના ધંધામાં સંડોવાયેલા એક શખ્સને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો સાથીદાર હાલ ફરાર હોવાનું બહાર આવ્યું છે. અંજાર પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી શહેરમાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસના સક્રિય અભિયાનનો ભાગ માનવામાં આવી રહી છે.
સરહદી રેન્જ ભુજના મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર સંબંધિત ગુનાઓ સામે સઘન ચકાસણી અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અંજાર પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર એચ.એ. જાડેજાએ સ્ટાફને વધુમાં વધુ જુગારના કેસ શોધી કાઢવા માટે સૂચનાઓ આપી હતી.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અંજાર ટાઉન હોલ નજીક એક વ્યક્તિ જાહેરમાં વરલી-મટકાના આંકડા લખી રૂપિયા હાર-જીતનો જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન જિતેન્દ્ર જયંતીલાલ ઠક્કર, રહેવાસી કૈલાશનગર, દબડા, અંજારને ઝડપી પાડવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar