

કચ્છ, 25 જુલાઈ (હિ.સ.) : નખત્રાણા તાલુકાના ભડલી ગામમાં આજે વહેલી સવારથી એક મહાકાય મગર દેખાતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી. ગામની વસાહત નજીક મગર ફરતો હોવાની માહિતી મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વરસાદી માહોલને કારણે આસપાસના જળાશયોમાંથી મગરો બહાર આવી વસતી વિસ્તારો તરફ પહોંચી જતા હોવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે ભડલી ગામની આ ઘટના પણ લોકો માટે ચિંતાનો વિષય બની હતી.
ગામલોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતાં પશ્ચિમ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. વન અધિકારી અરુણ સરવૈયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર રેસ્ક્યુ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશિક્ષિત ટીમે અત્યંત સાવચેતી અને કુશળતાપૂર્વક મગરને કાબૂમાં લેવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જેથી કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચે અને મગરને પણ કોઈ નુકસાન ન થાય.
આ રેસ્ક્યુ ઓપરેશનમાં માન્ય રેસ્ક્યુઅર જગદીશ પરમાર, મહેશ સોની તેમજ પશ્ચિમ વન વિભાગના રિશી ગોસ્વામીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમે જરૂરી સાધનોની મદદથી લાંબી મહેનત બાદ મગરને સુરક્ષિત રીતે કાબૂમાં લીધો હતો. સમગ્ર કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં ગામલોકો સ્થળ પર એકત્ર થયા હતા, જોકે વન વિભાગે સૌને સુરક્ષિત અંતર જાળવવાની સૂચના આપી હતી.
રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ મગરને તેની કુદરતી વસાહતને અનુરૂપ અને માનવ વસતીથી દૂર આવેલા સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો. વન વિભાગે જણાવ્યું કે ચોમાસાની ઋતુમાં નદીઓ, તળાવો અને જળાશયોમાં પાણીનું સ્તર વધતા મગરો ઘણી વખત નવા વિસ્તારોમાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં કોઈપણ વ્યક્તિએ મગરને ઉશ્કેરવાનો અથવા તેને પકડવાનો પ્રયાસ કરવો નહીં, પરંતુ તરત જ વન વિભાગને જાણ કરવી જોઈએ.
વન વિભાગે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે વરસાદી દિવસોમાં જળાશયો, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર કરતી વખતે સાવચેતી રાખે અને જંગલી પ્રાણી દેખાય તો ગભરાટ ફેલાવવાને બદલે જવાબદાર તંત્રને જાણ કરીને સહકાર આપે. સમયસર થયેલી આ રેસ્ક્યુ કામગીરીના કારણે ભડલી ગામમાં સંભવિત દુર્ઘટના ટળી હતી અને સ્થાનિકોએ વન વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar