
કચ્છ, 25 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ વિશેષ જાહેરનામું બહાર પાડી સમગ્ર જિલ્લામાં આવેલા જોખમી જળસ્થળો પર વિવિધ પ્રકારની પ્રતિબંધાત્મક વ્યવસ્થાઓ અમલમાં મૂકી છે. ચોમાસા દરમિયાન સર્જાતી અકસ્માતજન્ય પરિસ્થિતિઓને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું વહીવટી તંત્રએ જણાવ્યું છે.
દર વર્ષે ભારે વરસાદ બાદ નદીઓ, નાળાઓ, ચેકડેમ, નહેરો, કોઝ-વે અને ધોધોમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતો હોય છે. બીજી તરફ દરિયામાં ભરતીના સમયે ઊંચા મોજાં ઉછળતાં હોવાથી અનેક લોકો અને પ્રવાસીઓ બેદરકારીપૂર્વક પાણીમાં ઉતરતા અથવા ફોટોગ્રાફી માટે જોખમ લેતા અકસ્માતનો ભોગ બનતા હોય છે. આવી દુર્ઘટનાઓને અટકાવવા માટે કચ્છના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જાહેરનામું અમલમાં મૂક્યું છે.
જાહેરનામા મુજબ સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલા તમામ જોખમી જળસ્થળો પર કોઈપણ વ્યક્તિને ન્હાવા, કપડાં ધોવા, માછલી પકડવા અથવા આવા કાર્યોમાં અન્યને મદદ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. દરિયામાં ઊંચા મોજાં દરમિયાન પાણીમાં પ્રવેશ કરવો કે કિનારે જોખમી રીતે ઊભા રહેવું પણ મનાઈ ગણાશે. ઉપરાંત કોઝ-વે પર પાણી વહેતું હોય ત્યારે પગપાળા કે વાહન લઈને પસાર થવાની મંજૂરી રહેશે નહીં. જોખમી સ્થળોએ મોબાઇલ અથવા કેમેરાથી ફોટોગ્રાફી અને સેલ્ફી લેવાનું પણ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, કારણ કે આવી પ્રવૃત્તિઓ જીવલેણ સાબિત થઈ શકે છે.
આ પ્રતિબંધ આપત્તિ વ્યવસ્થાપન અને કાયદો-વ્યવસ્થાની કામગીરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગના અધિકૃત અધિકારીઓને આવા કિસ્સામાં ગુનો નોંધવાની સત્તા પણ આપવામાં આવી છે. આ હુકમ આગામી 5 સપ્ટેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે. જિલ્લા વહીવટીતંત્રે તમામ નાગરિકોને અપીલ કરી છે કે ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારનું જોખમ ન લે, સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરે અને પોતાની સાથે અન્ય લોકોની સુરક્ષાની જવાબદારી પણ નિભાવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar