

કચ્છ, 25 જુલાઈ (હિ.સ.) : ભારતીય હવામાન વિભાગ દ્વારા કચ્છ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવ્યા બાદ ગત રાત્રિથી સમગ્ર કચ્છ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓ પર પાણી ફરી વળવા અને સામાન્ય જનજીવન પર અસર થવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે અને સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે તમામ વ્યવસ્થાઓ સજ્જ રાખવામાં આવી છે.
કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ આજરોજ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ સમગ્ર જિલ્લાના વરસાદી માહોલની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે ફરજ પર હાજર અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી તાલુકાવાર સ્થિતિ અંગે માહિતી મેળવી હતી તેમજ કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરે તમામ અધિકારીઓને 24 કલાક એલર્ટ રહી કામગીરી કરવા અને લોકોને ઝડપથી સહાય પહોંચાડવા માટે સતત સંકલન જાળવવાની સૂચના આપી હતી.
વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવ્યા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની આપત્તિ, પાણી ભરાવા, માર્ગ બંધ થવા, વૃક્ષ ધરાશાયી થવા અથવા અન્ય ઇમરજન્સી અંગે માહિતી આપવા માટે નીચેના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
જિલ્લા કંટ્રોલ રૂમ: 1077, 02832-252347, 02832-250923
તાલુકાવાર કંટ્રોલ રૂમ નંબરો:
અંજાર – 02836-242588
અબડાસા – 02831-222131
ગાંધીધામ – 02836-250270
નખત્રાણા – 02835-222124
ભચાઉ – 02837-224026
ભુજ – 02832-230832
મુન્દ્રા – 02838-222127
માંડવી – 02834-222711
રાપર – 02830-220001
લખપત – 02839-233341
ભુજ શહેર – 02832-231579
જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન અનાવશ્યક મુસાફરી ટાળે, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક જવાનું ટાળે તેમજ માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખે. આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી સમગ્ર કચ્છમાં વહીવટી તંત્ર સતત એલર્ટ મોડ પર રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કોઈપણ ઇમરજન્સીનો સામનો કરવા માટે તમામ વિભાગોને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar