


કચ્છ, 25 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરની ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ શાળાઓમાં કાર્યરત સંસ્કૃત કક્ષના સંયોજકો સાથે પ્રેરણાદાયી સંવાદ બેઠક યોજાઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારને વધુ વેગ આપવાનો, શૈક્ષણિક ક્ષેત્રમાં તેના વ્યાપને વિસ્તૃત કરવાનો તેમજ નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાન પ્રત્યે રસ વધારવાનો રહ્યો હતો.
બેઠક દરમિયાન ચેરમેન હિમાંજય પાલીવાલે જણાવ્યું હતું કે સંસ્કૃત માત્ર એક પ્રાચીન ભાષા નથી, પરંતુ ભારતના વૈદિક જ્ઞાન, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું મૂળ આધારસ્તંભ છે. આ ભાષાને જીવંત રાખવા માટે શાળાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે શિક્ષકોને સંબોધતા કહ્યું કે સંસ્કૃતના ગૌરવ અને સંવર્ધન માટે દરેક શિક્ષક સમાજમાં પ્રેરણાનું કેન્દ્ર બની શકે છે અને વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે અભિરુચિ વિકસાવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન કચ્છ જિલ્લાના ૧૯ જેટલી શાળાઓમાં સંસ્કૃત કક્ષ શરૂ કરવા માટે પ્રત્યેક શાળાને રૂપિયા ૫૦ હજારનું અનુદાન ફાળવવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે એવી શાળાઓને પણ આ યોજના સાથે જોડાવા અનુરોધ કર્યો, જ્યાં હજુ સુધી સંસ્કૃત કક્ષ શરૂ થઈ નથી. વધુમાં વધુ શાળાઓ આ પહેલમાં જોડાશે તો સંસ્કૃત શિક્ષણનો વ્યાપ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચશે અને વિદ્યાર્થીઓને ભાષાના અભ્યાસ માટે વધુ તકો પ્રાપ્ત થશે.
સંવાદ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા સંયોજકોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા તેમજ સંસ્કૃત શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટેના સૂચનો પણ આપ્યા હતા. ચેરમેનશ્રીએ તમામ સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળીને ભવિષ્યમાં નવી યોજનાઓ ઘડવામાં તેને ઉપયોગી બનાવવાની ખાતરી વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇ.આઇ. મોહનદાન ગઢવી, જિલ્લા નોડલ અધિકારી જી. જી. નાકર, શિવુભા ભાટી, ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય ભૂમિકાબેન ગઢવી, જીગર દવે સહિત શિક્ષણજગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રગતિબેન વોરાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે શિક્ષકો અને સંસ્થાઓ વચ્ચે વધુ સક્રિય સહભાગિતાનો સંદેશ પ્રતિધ્વનિત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar