
મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.)
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 24 કલાક દરમિયાન મહેસાણા જિલ્લામાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ (IAS)એ નાગરિકો, ખેડૂતો અને પ્રવાસીઓને સતર્ક રહેવા તથા વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલે જાહેર કરેલી અખબારી યાદી મુજબ જિલ્લા વહીવટીતંત્રે તમામ સંબંધિત વિભાગોને એલર્ટ મોડ પર રાખ્યા છે અને જરૂરી માનવબળ તેમજ સાધનો સાથે તાત્કાલિક કામગીરી માટે સજ્જ રહેવા સૂચના આપી છે. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તા, નદી-નાળા, કેનાલ અને ચેકડેમથી દૂર રહેવા તેમજ વહેતા પાણીમાં પ્રવેશ ન કરવાની સલાહ આપવામાં આવી છે.
ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાન, વૃક્ષો, વીજ થાંભલા અને મોબાઇલ ટાવર નજીક ન રહેવા તેમજ ઘરમાં રહી વીજ ઉપકરણોનો બિનજરૂરી ઉપયોગ ટાળવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોને હવામાન સામાન્ય થાય ત્યાં સુધી ખેતરમાં કામ ન કરવા અને પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે.
કોઈપણ કટોકટીની સ્થિતિમાં જિલ્લા ઇમરજન્સી કંટ્રોલ રૂમના 02762-222220 અને 02762-222299 નંબરો ઉપરાંત ટોલ ફ્રી 1077 પર સંપર્ક કરી શકાય છે. તાલુકાવાર કંટ્રોલ રૂમ પણ કાર્યરત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 112 (ઇમરજન્સી), 108 (એમ્બ્યુલન્સ), 101 (ફાયર) અને 100 (પોલીસ) સેવાઓનો પણ જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા જિલ્લા વહીવટીતંત્રે અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR