
મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં માર્ગો અને જાહેર સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. કડી તાલુકાના ઈન્દ્રાડ ટોરેન્ટ રોડ પર પણ વરસાદના કારણે માર્ગનો એક ભાગ ધોવાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.
માર્ગ પર અવરજવર કરતા વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચીને નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે મરામત કામગીરી શરૂ કરવામાં આવી હતી. જરૂરી મશીનરી અને કર્મચારીઓની મદદથી ધોવાયેલો માર્ગ ઝડપથી સમારકામ કરીને ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
વિભાગની સમયસરની કામગીરીને કારણે સંભવિત અકસ્માતો ટાળવામાં સફળતા મળી છે અને સ્થાનિક લોકોને પણ રાહત મળી છે. ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો પર સતત નજર રાખવામાં આવી રહી છે. જ્યાં ક્યાં વરસાદના કારણે માર્ગોને નુકસાન પહોંચે છે ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરીને વાહનવ્યવહાર સામાન્ય રહે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તંત્રે નાગરિકોને પણ ભારે વરસાદ દરમિયાન સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR