
મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.)
મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ અને રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. કુકરવાડા, મોતીપુરા, કોલવડા અને અંડરપાસ સહિત પાણી ભરાયેલા વિસ્તારોમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે મામલતદાર અતુલ ભાટીએ પોલીસ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક સરપંચ સાથે સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કરીને વરસાદી પાણી ઝડપથી બહાર કાઢી સામાન્ય જનજીવન પૂર્વવત થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત વિભાગોને સતત દેખરેખ રાખી જરૂરિયાત મુજબ તાત્કાલિક કામગીરી કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
બીજી તરફ, મહેસાણા મહાનગરપાલિકા ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને વિવિધ વિભાગોના અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરની વરસાદી પરિસ્થિતિ, વરસાદી પાણીના નિકાલની કામગીરી, અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ તેમજ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વિભાગો વચ્ચે સંકલન જાળવી ઝડપી કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વહીવટીતંત્રે ભારે વરસાદ દરમિયાન નાગરિકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને જરૂરી જણાય ત્યારે જ મુસાફરી કરવાની અપીલ પણ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR