
મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) : ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદની અસર હવે જળાશયો પર પણ જોવા મળી રહી છે. ઉપરવાસ વિસ્તારમાં થયેલા સારા વરસાદના પગલે સતલાસણા સ્થિત ધરોઈ ડેમમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત નવા નીરની આવક નોંધાઈ છે. લાંબી રાહ બાદ ડેમમાં પાણીની નવી આવક શરૂ થતાં તંત્ર અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ધરોઈ ડેમમાં હાલમાં 486 ક્યુસેક નવા પાણીની આવક નોંધાઈ છે. આ આવકના કારણે ડેમની જળસપાટી વધીને 605.09 ફૂટ પર પહોંચી છે. ચોમાસાની શરૂઆત બાદ પ્રથમ વખત ડેમમાં નવા નીરની એન્ટ્રી થતાં આગામી દિવસોમાં જળસંગ્રહમાં વધુ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ધરોઈ ડેમ ઉત્તર ગુજરાત માટે પીવાના પાણી અને સિંચાઈનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ડેમમાં પાણીની આવક શરૂ થતાં ખેડૂતોમાં પણ આશાનું વાતાવરણ સર્જાયું છે.
જો આગામી દિવસોમાં ઉપરવાસમાં વરસાદ યથાવત રહેશે તો ડેમમાં પાણીનો જથ્થો વધુ વધવાની સંભાવના છે, જેનાથી પીવાના પાણીની ઉપલબ્ધિ અને ખેતી માટેની સિંચાઈ વ્યવસ્થા વધુ મજબૂત બનશે. તંત્ર દ્વારા ડેમની સ્થિતિ અને પાણીની આવક પર સતત નજર રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR