
મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) : મહેસાણા શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે મહેસાણા મહાનગરપાલિકા ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને વિવિધ વિભાગોના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરમાં સર્જાયેલી વરસાદી પરિસ્થિતિ તેમજ નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન શહેરમાં વરસાદી પાણીના નિકાલની સ્થિતિ, નીચાણવાળા અને અસરગ્રસ્ત વિસ્તારોની હાલત તેમજ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવી રહેલી રાહત અને જાળવણી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી જ્યાં જરૂર હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ડ્રેનેજ વ્યવસ્થા, પાણીના નિકાલ અને અન્ય જરૂરી સેવાઓ સુચારુ રહે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવી ઝડપી કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાએ શહેરની સ્થિતિ પર સતત મોનિટરિંગ રાખવાની અને વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ પગલાં લેવા અધિકારીઓને સૂચના આપી છે, જેથી નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR