
મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કલ્યાણપુરા ગામ નજીક ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધતાં મોટી દુર્ઘટના સર્જાતી બચી હતી. તલાવડીમાં પાણી ભરાઈ જતાં ત્યાં રહેતા ત્રણ ગરીબ દેવીપૂજક પરિવારના કુલ 13 સભ્યો કમર સમાણા ઊંડા પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી પોલીસ જવાનોએ પોતાના જીવનું જોખમ ખેડીને બચાવ કામગીરી શરૂ કરી હતી. પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે પોલીસે એક પછી એક તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા.
પોલીસની ઝડપી અને સાહસિક કામગીરીના કારણે તલાવડીમાં ફસાયેલા તમામ 13 લોકોનો આબાદ બચાવ કરવામાં સફળતા મળી હતી. સમયસર હાથ ધરાયેલા આ રેસ્ક્યુ ઓપરેશનના કારણે સંભવિત જાનહાનિ ટળી હતી. બચાવ કરાયેલા તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની માનવતાભરી કામગીરી અને સમયસૂચકતાની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે નદી, તળાવ, તલાવડી અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ જોખમજનક સ્થળોથી દૂર રહેવાની નાગરિકોને અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR