થોળમાં ભારે વરસાદ વચ્ચે દિવાલ ધરાશાયી, કાટમાળ નીચે દબાઈ દંપતીનું કરૂણ મોત
મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ ગામમાં ભારે વરસાદ વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના બની છે. સતત વરસાદના કારણે વહેંડાની એક જૂની અને જર્જરિત દિવાલ અચાનક ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જવાથી દંપતીનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાએ સમગ્
થોળમાં ભારે વરસાદ વચ્ચે દિવાલ ધરાશાયી, કાટમાળ નીચે દબાઈ દંપતીનું કરૂણ મોત


મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.)

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ ગામમાં ભારે વરસાદ વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના બની છે. સતત વરસાદના કારણે વહેંડાની એક જૂની અને જર્જરિત દિવાલ અચાનક ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જવાથી દંપતીનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ ભારે વરસાદના કારણે દિવાલ નબળી પડી જતાં અચાનક તૂટી પડી હતી. તે સમયે નજીકમાં હાજર દંતાણી બાબુભાઈ જીભાઈ અને તેમના પત્ની દંતાણી કમુબેન બાબુભાઈ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગંભીર ઈજાઓના કારણે બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી બાદ પરિવારજનો અંતિમ સંસ્કાર માટે તેમના મૂળ વતન સાણંદ લઈ ગયા હતા.

સતત વરસાદને કારણે જિલ્લામાં દિવાલો અને જર્જરિત મકાનો ધરાશાયી થવાના બનાવો સામે આવી રહ્યા છે. વહીવટીતંત્રે નાગરિકોને જૂની અને જોખમી ઇમારતોથી દૂર રહેવા તેમજ ભારે વરસાદ દરમિયાન ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande