જામનગર જિલ્લા જેલમાં મોબાઈલ ફોન રેકેટ કેસ : 5 આરોપીઓ જેલ હવાલે, વધુ બે કેદીઓ સામે કાર્યવાહી
જામનગર, 25 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનના ઉપયોગના પ્રકરણમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની તપાસ સતત આગળ વધી રહી છે. આ કેસમાં અગાઉ ઝડપી પાડવામાં આવેલા પાંચ આરોપીઓને પોલીસે રીમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ
જિલ્લા જેલ


જામનગર, 25 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનના ઉપયોગના પ્રકરણમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની તપાસ સતત આગળ વધી રહી છે. આ કેસમાં અગાઉ ઝડપી પાડવામાં આવેલા પાંચ આરોપીઓને પોલીસે રીમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કર્યા હતા.

જોકે અદાલતે તમામ આરોપીઓ અન્ય ગંભીર ગુનાઓમાં પણ જેલબંધી ભોગવી રહ્યા હોવાથી તેઓને ફરીથી જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મોડી સાંજે પાંચેય આરોપીઓને જિલ્લા જેલમાં પરત મોકલી દેવામાં આવ્યા હતા.

દરમિયાન, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે સમગ્ર પ્રકરણમાં ટેક્નિકલ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા વધુ મહત્વના તથ્યો બહાર આવ્યા છે. તપાસમાં હાલમાં પણ જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા વધુ બે કેદીઓએ પણ ગેરકાયદેસર મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હોવાની વિગતો સામે આવી છે.

આ નવા ખુલાસા બાદ સાયબર ક્રાઈમની ટીમે બંને કેદીઓનો કાયદેસર કબજો મેળવવા માટે અદાલતી કાર્યવાહી શરૂ કરી છે. કોર્ટમાંથી જરૂરી મંજૂરી મળ્યા બાદ બંને આરોપીઓની સત્તાવાર ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવશે. તપાસ દરમિયાન મોબાઈલ ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યા, તેનો ઉપયોગ કોના સંપર્ક માટે કરવામાં આવ્યો હતો તેમજ આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ તથા શહેર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવની દેખરેખમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આઈ. એ. ઘાસુરા અને તેમની ટીમ સમગ્ર કેસમાં ટેક્નિકલ પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી રહી છે.

સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઈલ ફોનના ઉપયોગને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કરવામાં આવ્યો છે અને સમગ્ર કાવતરામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande