
ભાવનગર,25 જુલાઈ (હિ.સ.)ચોમાસાની ઋતુ દરમિયાન થયેલા વરસાદને પગલે સિહોર, વલ્લભીપુર અને પાલિતાણા નગરપાલિકા વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા પ્રાદેશિક કમિશનર સુનિલ અને અધિક કલેક્ટર ડી.એન. સતાણી દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. તેમણે નગરપાલિકાના નિચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, માર્ગોની સ્થિતિ તેમજ નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન રોડ-રસ્તાના વિકાસકાર્યો, સ્વચ્છતા કામગીરી અને ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાતના દિવસે સિહોરમાં અંદાજે 24 મી.મી., વલ્લભીપુરમાં 13 મી.મી. અને પાલિતાણામાં 19 મી.મી. વરસાદ નોંધાયો હતો. હાલમાં કોઈપણ વિસ્તારમાં સ્થળાંતર અથવા બચાવ કામગીરીની જરૂરિયાત ઉભી થઈ નથી.
પ્રાદેશિક કમિશનરે ચોમાસામાં પાણીજન્ય અને જંતુજન્ય રોગચાળો અટકાવવા માટે નિયમિત ફોગિંગ, દવાઓનો છંટકાવ અને સ્વચ્છતા કામગીરી અસરકારક રીતે હાથ ધરવા સૂચના આપી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસરોને જન આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જરૂરી તકેદારી રાખવા જણાવ્યું હતું.
સાથે જ વરસાદી પાણીનો ઝડપી નિકાલ, કચરાનો સમયસર ઉપાડ, ગટર અને ડ્રેનેજ વ્યવસ્થાની સતત દેખરેખ રાખવા તેમજ નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવાની સૂચના આપવામાં આવી હતી. સ્થળ મુલાકાત દરમિયાન નગરપાલિકાના પદાધિકારીઓ, ચીફ ઓફિસરો અને સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA