પાટણ ખાતે સક્ષમ સંસ્થા દ્વારા દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન અને કાર્યકર્તા બેઠક યોજાઈ
પાટણ, 25 જુલાઈ (હિ.સ.) : પાટણ ખાતે બહેરા-મૂંગા શાળાના સહયોગથી સક્ષમ પાટણ જિલ્લા શાખા દ્વારા એક વિશેષ કાર્યકર્તા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કક્ષાએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન કર
પાટણ ખાતે સક્ષમ સંસ્થા દ્વારા દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન અને કાર્યકર્તા બેઠક યોજાઈ


પાટણ, 25 જુલાઈ (હિ.સ.) : પાટણ ખાતે બહેરા-મૂંગા શાળાના સહયોગથી સક્ષમ પાટણ જિલ્લા શાખા દ્વારા એક વિશેષ કાર્યકર્તા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કક્ષાએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને વિવિધ ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. શાળાના આચાર્ય અને સક્ષમ પાટણ જિલ્લા ઉપાધ્યક્ષ ઘેમરભાઈ દેસાઈએ શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી, જ્યારે સક્ષમના જિલ્લા સચિવ રાજેન્દ્રસિંહ ઝાલાએ સંસ્થાનો પરિચય આપ્યો હતો.

રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સક્ષમ એ દિવ્યાંગ વ્યક્તિઓના સર્વાંગી વિકાસ માટે સમર્પિત એક રાષ્ટ્રીય સંગઠન છે, જેની સ્થાપના ૧૮ વર્ષ પહેલા ૨૦ જૂન, ૨૦૦૮ ના રોજ મહારાષ્ટ્રના નાગપુર ખાતે થઈ હતી. આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન સુરદાસ જયંતિ, રક્ષાબંધન ઉત્સવ, નેત્ર પખવાડિયું, વિશ્વ વિકલાંગ દિવસ, લૂઈ બ્રેઈલ જયંતિ અને સ્થાપના દિવસ જેવા વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો યોજવામાં આવે છે. સંસ્થાનો મુખ્ય હેતુ દિવ્યાંગોને સમાજ માટે બોજારૂપ નહીં પરંતુ યોગ્યતાના આધારે સ્વાવલંબી બનાવવાનો છે.

આ ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી. વાગડોદા, શાળાના માનદમંત્રી દેવેન્દ્રભાઈ સાલવી અને વહીવટી અધિકારી ઉષાબેન બુચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સક્ષમ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. સક્ષમ મહિલા સંયોજક વર્ષાબેન જોશી, શાળા પરિવાર, ઉત્સાહી વિદ્યાર્થીઓ અને સક્ષમ કાર્યકર્તા મિત્રોની વિશેષ ઉપસ્થિતિએ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande