વરસાદના કારણે રેસ્ક્યુ કરાયેલા તથા સ્થળાંતર કરાયેલા પરિવારો માટે સણિયા હેમાદ રિલીફ સેન્ટર બન્યું આશાનું કેન્દ્ર
સુરત, 25 જુલાઈ (હિ.સ.): સુરત શહેર તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને સણિયા હેમાદ ખાતે કાર્યરત રિલીફ સેન્ટર ખસેડીને ભોજન રહેઠાણ સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવ
Surat


સુરત, 25 જુલાઈ (હિ.સ.): સુરત શહેર તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને સણિયા હેમાદ ખાતે કાર્યરત રિલીફ સેન્ટર ખસેડીને ભોજન રહેઠાણ સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

પાણી ભરાવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આશરે 40થી 50 લોકોને રેસ્ક્યુ કરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સણિયા હેમાદ પ્રાથમિક શાળા ખાતે કાર્યરત રિલીફ સેન્ટરમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. અહીં અસરગ્રસ્તો માટે તંત્ર દ્વારા 24 કલાક મેડિકલ સેવા, આરોગ્ય તપાસ, જરૂરી દવાઓનું વિતરણ, પૌષ્ટિક ભોજન તેમજ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

રિલીફ સેન્ટર ખાતે ફરજ બજાવી રહેલા મેડિકલ ઓફિસર ડો.જાનકી હડીયાએ જણાવ્યું હતું કે, “મેડિકલ ટીમ 24 કલાક અસરગ્રસ્તોની સેવામાં કાર્યરત છે. રિલીફ સેન્ટરમાં આવતા દરેક વ્યક્તિની પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ દવા તેમજ સારવાર તાત્કાલિક પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો, સગર્ભા મહિલાઓ અને અન્ય જરૂરિયાતમંદ લોકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.”

રિલીફ સેન્ટરમાં આશ્રય મેળવનાર રેખાબેન રાઠોડે જણાવ્યું હતું કે, “ભારે વરસાદને કારણે અમારા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં અમને સુરક્ષિત રીતે અહીં લાવવામાં આવ્યા હતા. અહીં આરોગ્ય તપાસ, સમયસર ભોજન, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ મળી રહી હોવાથી અમો ઘણી રાહત અનુભવી રહ્યા છીએ.”

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રિલીફ સેન્ટર પર અસરગ્રસ્ત નાગરિકોને સલામત અને સુવિધાસભર વાતાવરણ મળી રહે તે માટે આરોગ્ય, રાહત અને અન્ય સંબંધિત વિભાગોના સંકલનથી સતત કામગીરી કરવામાં આવી રહી છે. અસરગ્રસ્તોને સમયસર મદદ અને આવશ્યક સેવાઓ મળી રહે તે માટે તંત્ર 24 કલાક સતર્ક અને કાર્યરત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande