





પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના બાળકોને આધુનિક અને સુવિધાસભર આંગણવાડી મળે તે હેતુથી સાંસદ રામભાઈ મોકરિયાની ગ્રાન્ટમાંથી પોરબંદર જિલ્લાની 40 આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા માટે કુલ 2 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. એટલે કે દરેક આંગણવાડી પાછળ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થવાનો હતો. પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ સામે આવતા દ્રશ્યો અનેક ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
કાગળ પર સ્માર્ટ બનેલી આંગણવાડીઓ વાસ્તવમાં કેટલી સ્માર્ટ બની છે તે અંગે હવે ચર્ચા શરૂ થઈ છે. પોરબંદરના છાંયા વિસ્તારમાં સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ પાછળ આવેલા રણ વિસ્તારની કેન્દ્ર નં. 224 અને 226ની આંગણવાડીઓમાં પાંચ-પાંચ લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. પરંતુ સ્થળ પર જોવા મળતી સ્થિતિ કંઈક જુદી જ કહાની કહે છે. સૌથી મોટી બાબત એ છે કે આંગણવાડીની તૂટેલી લાદી આજે પણ તેવી જ હાલતમાં છે. બાળકોને ચાલવામાં મુશ્કેલી પડે તેવી સ્થિતિ હોવા છતાં તેની મરામત કરવામાં આવી નથી. રમવાના સાધનો પણ યોગ્ય ફાઉન્ડેશન વિના જમીનમાં ઠોકી બેસાડવામાં આવ્યા હોવાનું જોવા મળે છે.
ચોમાસામાં આસપાસ ઝાંખરા અને ઝાડી-ઝાંખળા સાફ ન કરાતા નાના બાળકો માટે જીવજંતુઓનો ખતરો પણ ઊભો થયો છે. એટલે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો દાવો થાય છે, પરંતુ કામની ગુણવત્તા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. જિલ્લા કચેરીમાંથી મળેલી વિગતો મુજબ એક સ્માર્ટ આંગણવાડીમાં બોર્ડ, ફોલ્ડિંગ ટેબલ, વ્હાઇટ બોર્ડ, માર્કર, મેગ્નેટિક બટન, રાઇટિંગ પેનલ, કક્કો-નંબર શૈક્ષણિક સામગ્રી, સોર્ટિંગ-કાઉન્ટિંગ કિટ, વોલ પેનલ, ગુજરાતી શબ્દાવલી, અંદર-બહાર કલર પેઇન્ટિંગ, મ્યુઝિકલ સ્ટેન્ડી બુક, ટીવી સેટ અને બોક્સ, બે હીંચકા, લસર પટ્ટી, ફ્લોર થીમ ગ્રાફિક, વોલ ગ્રાફિક, પ્લાસ્ટિક સી-સો, કબાટ સહિત અંદાજે 20 પ્રકારની કામગીરી અને સાધનોનો સમાવેશ થતો હતો. પરંતુ સ્થળ પર કેટલીક જગ્યાએ માત્ર રંગરોગાન કરીને અથવા થોડાં સાધનો મૂકીને કામગીરી પૂર્ણ બતાવી દેવાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જો માત્ર બે આંગણવાડીઓમાં જ આવી સ્થિતિ જોવા મળે છે તો બાકીની 38 આંગણવાડીઓમાં ખરેખર કેવી કામગીરી થઈ હશે? શું દરેક સ્થળે ગુણવત્તા જાળવવામાં આવી હતી કે માત્ર કાગળ પર ખર્ચ પૂર્ણ બતાવવામાં આવ્યો? આ પ્રશ્ન હવે માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાની ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર યોજનાનું અમલીકરણ નાયબ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ થવાનું હતું. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કામગીરી પૂર્ણ થયા બાદ તેનું સુપરવિઝન કયા અધિકારીએ કર્યું? નબળી કામગીરી હોવા છતાં બિલ કેવી રીતે મંજૂર થયા? ગુણવત્તા ચકાસ્યા વગર ચૂકવણી કરવામાં આવી? કે પછી જવાબદાર અધિકારીઓએ આંખ આડા કાન કર્યા? લોકોમાં એવી પણ ચર્ચા છે કે શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે કોઈ સાંઠગાંઠ હતી?
આ અંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી વાઘાણીને પ્રશ્ન પૂછતા તેમણે ટૂંકો જવાબ આપ્યો કે, આપના દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે. તપાસ કરવામાં આવશે અને જો અનિયમિતતા જણાશે તો સંબંધિત એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે પેમેન્ટની ચુકવણી બાકી છે હવે જોવાનું એ રહેશે કે આ નિવેદન માત્ર ઔપચારિકતા પૂરતું રહે છે કે ખરેખર જવાબદાર સામે કાર્યવાહી થાય છે. કારણ કે આ પાંચ લાખની વાત નથી, પરંતુ નાના બાળકોના ભવિષ્ય અને જાહેર નાણાંના ઉપયોગની વાત છે. જ્યારે ‘સ્માર્ટ આંગણવાડી’ના નામે કરોડો ખર્ચાય અને બાળકો આજે પણ તૂટેલી લાદી પર ચાલવા મજબૂર હોય, ત્યારે સવાલ માત્ર કામનો નથી... આખી વ્યવસ્થાની વિશ્વસનીયતાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya