
સુરત, 25 જુલાઈ (હિ.સ.) : સુરત શહેરમાં ભારે વરસાદ બાદ જનઆરોગ્યની સુરક્ષા અને રોગચાળા નિવારણ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી પાણી ઓસર્યા બાદ પાણીના સરળ નિકાલમાં કોઈ અવરોધ ન રહે તે માટે સ્ટોર્મ ડ્રેનેજના ઝાળિયાંની તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની સફાઈ, બ્રશિંગ તેમજ જંતુનાશક પાવડર અને દવાના છંટકાવની સઘન કામગીરી હાથ ધરી રોગચાળા નિવારણની સાથે શહેરીજનોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા આવી રહી છે.
વરાછા ઝોન-બી વિસ્તારમાં વરસાદી પાણી ઓસરતાં જ વિવિધ માર્ગો પર રાતભર સાફ-સફાઈ અને બ્રશિંગની કામગીરી કરવામાં આવી હતી, જેથી નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળી રહે.
ભારે વરસાદને પગલે પાણી ભરાયેલા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત રીતે SMCના રિલીફ સેન્ટરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યાં ભોજન, શુદ્ધ પીવાનું પાણી તેમજ અન્ય જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે મેડિકલ ટીમ દ્વારા સતત આરોગ્ય પરીક્ષણ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ઉધના ઝોન-એ વિસ્તારમાં પાણી ભરાતા અસરગ્રસ્તોને સુરક્ષિત રીતે નગર પ્રા.શાળા નં. 219 અને 220 ખાતે તૈયાર કરાયેલા SMCના રિલીફ સેન્ટરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, ત્યારે મ્યુ. કમિશનર એમ. નાગરાજને આ રિલીફ સેન્ટરની મુલાકાત લઈ અસરગ્રસ્તો સાથે સંવાદ કર્યો હતો અને તેમને મળી રહેલી સુવિધાઓ અંગેના પ્રતિભાવો જાણ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે