
સુરત, 25 જુલાઈ (હિ.સ.)-સુરત જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં પડેલા ભારે વરસાદ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ હતી.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે જેમાં સુરત જિલ્લાનાં માંડવી તાલુકાના બૌધાન ગામ ખાતે ક્લોરીનેશનનું કામ તેમજ ભરાઈ રહેલા પાણીમાં દવા છંટકાવનું કામ કરાયું હતું. સાથે જ આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત નાગરિકો અને સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ, જરૂરિયાતમંદોને ORS ના પેકેટ્સ તેમજ પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરીનની ટેબલેટનું વિતરણ કરાયું હતું.
રોગચાળા સામે રક્ષણ મેળવવા માટે સ્થાનિક લોકોને ઉકાળેલું પાણી પીવું, વારંવાર સાબુથી હાથ ધોવા, ખુલ્લો ખોરાક ન ખાવો અને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવી રાખવા અંગેનું આરોગ્ય શિક્ષણ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે