

પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા વનાણા ગામ પાસે બ્રિજ નીચે લીકેજ થયેલી 700 એમ.એસ. મુખ્ય પાણીની પાઈપલાઈનનું સત્વરે અને સફળતાપૂર્વક સમારકામ કરવામાં આવ્યું છે. ફોદાળા ડેમમાંથી જાવંત્રી ફિલ્ટર પ્લાન્ટ મારફતે પોરબંદર શહેરમાં પીવાના પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવે છે. આ દરમિયાન જાવંત્રી ફિલ્ટર પ્લાન્ટથી શહેર સુધી બિછાવેલી મુખ્ય પાણીની પાઈપલાઈનમાં લીકેજ સર્જાતા પાણીનો નોંધપાત્ર વેડફાટ થઈ રહ્યો હતો. આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા તથા શહેરવાસીઓને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગે પાણી પુરવઠો બંધ રાખી સમારકામની કામગીરી હાથ ધરી હતી. સમારકામ દરમિયાન પ્રથમ ડી-વોટરિંગ પમ્પ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાઈપલાઈનની સંપૂર્ણ સફાઈ કરી 700 એમ.એમ. એમ.એસ.નો ચાંપડો લગાવી લીકેજ દૂર કરવામાં આવ્યું હતું. ઉપરાંત પાઈપલાઈન સાથે જોડાયેલા બે એર વાલ્વનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં સાંજે 6:00 વાગ્યાથી રાત્રે 12:00 વાગ્યા સુધી એક જે.સી.બી. મશીન અને 8 કર્મચારીઓની ટીમે સતત કામગીરી કરી હતી. સમારકામ પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો રાબેતા મુજબ પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા સમયસર કરવામાં આવેલી આ કામગીરીના પરિણામે પાણીનો વેડફાટ અટક્યો છે તેમજ શહેરના નાગરિકોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાના પાણીનો પુરવઠો જળવાઈ રહે તે સુનિશ્ચિત બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya