
ભાવનગર,25 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પોસ્ટ વિસ્તાર હેઠળ આવેલા વેળાવદર–રાજગઢ માર્ગ પર આવેલા નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાળા ઉપર પાણી ફરી વળ્યું છે. પાણીનો પ્રવાહ વધતા માર્ગ પર વાહનવ્યવહાર માટે જોખમી સ્થિતિ સર્જાતા પોલીસ તંત્ર તાત્કાલિક સતર્ક બન્યું છે.
માનનીય પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયના માર્ગદર્શન અને સૂચના અનુસાર સ્થાનિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી સુરક્ષાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નાળા પાસે પહોંચતા વાહનચાલકો અને વટેમાર્ગુઓને જોખમ ન લેવાની અપીલ કરવામાં આવી રહી છે તેમજ તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વેળાવદર–રાજગઢ માર્ગ પર હાલ પૂરતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. સ્થળ પર GRD (ગ્રામ રક્ષક દળ)નો બંદોબસ્ત ગોઠવી સતત નજર રાખવામાં આવી રહી છે. પાણીનું સ્તર ઘટે અને માર્ગ સુરક્ષિત બને ત્યાર બાદ જ વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવશે.
પોલીસ તંત્રએ સ્થાનિક લોકોને તેમજ મુસાફરોને અપીલ કરી છે કે નાળા કે પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તમામ નાગરિકોએ સાવચેતી રાખવી, તંત્રની સૂચનાઓનું પાલન કરવું તેમજ અફવાઓથી દૂર રહેવું જરૂરી છે.
પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી લોકોની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA