
વડોદરા , 25 જુલાઈ (હિ.સ.)વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજના એક્સ્ટ્રામ્યુરલ NICU વિભાગે, વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. દાહોદની ખાનગી હોસ્પિટલમાં જન્મેલા ત્રણ ટ્રિપલેટ નવજાત શિશુઓને 58 દિવસ સુધી સઘન સારવાર આપ્યા બાદ સ્વસ્થ હાલતમાં સફળતાપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજના એક્સ્ટ્રામ્યુરલ NICU (Neonatal Intensive Care Unit) દ્વારા નવજાત શિશુઓની સારવાર ક્ષેત્રે વધુ એક પ્રશંસનીય સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે.
દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં જન્મેલા ટ્રિપલેટ એટલે કે ત્રણ નવજાત શિશુઓને ગંભીર સ્થિતિમાં એસ.એસ.જી. હોસ્પિટલના એક્સ્ટ્રામ્યુરલ NICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં નિષ્ણાત તબીબોની ટીમે સતત 58 દિવસ સુધી અત્યાધુનિક સારવાર આપી ત્રણેય શિશુઓનો જીવ બચાવવામાં સફળતા મેળવી છે.
સારવાર દરમિયાન નવજાત શિશુઓને મેકેનિકલ વેન્ટિલેશન, CPAP દ્વારા શ્વસન સહાય, યોગ્ય પોષણ વ્યવસ્થાપન, ચેપની સારવાર, ROP સ્ક્રિનિંગ અને જરૂરી સારવાર, તેમજ વિવિધ વિભાગોના નિષ્ણાતોની સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
સઘન સારવાર અને તબીબોની સતત મહેનતના પરિણામે ત્રણેય શિશુઓના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો હતો. જીવનના 58મા દિવસે સંતોષકારક વજન વૃદ્ધિ અને સ્થિર તબિયતને ધ્યાનમાં રાખીને ત્રણેય નવજાત શિશુઓને સફળતાપૂર્વક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
આ સફળતા એસ.એસ.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજના નવજાત શિશુ વિભાગ માટે ગૌરવની ક્ષણ બની છે અને સરકારી આરોગ્ય સેવાઓમાં ઉપલબ્ધ આધુનિક સારવાર તથા નિષ્ણાત તબીબોની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ