
નવસારી, 25 જુલાઈ (હિ.સ.): નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રીય કેબિનેટ મંત્રી (જલશક્તિ મંત્રાલય), ભારત સરકાર તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલ અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે આજ રોજ જિલ્લાની મુલાકાત લીધી હતી.
મુલાકાતની શરૂઆત નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી કરવામાં આવી હતી, જ્યાં જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ભારે વરસાદ અને પૂર દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી બચાવ, રાહત અને પુનઃસ્થાપનની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
ત્યારબાદ મંત્રીઓએ ગણદેવી તાલુકાના સોનવાડી ગામ, બીલીમોરાના ઊંડાચ વિસ્તાર તેમજ ચીખલી તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ કરી તેમની મુશ્કેલીઓ જાણી સરકાર તરફથી શક્ય તમામ સહાય ઝડપથી પહોંચાડવાની ખાતરી આપી હતી.
મુલાકાત દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને રાહત કિટ તથા ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, પૂરથી અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ સહાયનું વિતરણ ઝડપથી પૂર્ણ કરવા તેમજ આરોગ્ય અને સ્વચ્છતા જાળવી રોગચાળો અટકાવવા માટે જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, પૂરથી અસરગ્રસ્ત પરિવારોને ઘરવખરીના નુકસાન માટેની સહાય ચૂકવવામાં આવશે. ઉપરાંત, પશુધનના નુકસાન બદલ સહાય પણ રાજ્ય સરકારના ધોરણો મુજબ આપવામાં આવશે.
આ મુલાકાત દરમિયાન સ્થાનિક જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે